આપણે સૌ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી દર વર્ષે ઉમંગ અને ઉલ્લાસથી કરતા હોઈએ છીએ, એવા જ
ઉમંગ અને ઉલ્લાસથી અમદાવાદ સ્થિત કેન્દ્રીય વિદ્યાલય સાબરમતી સ્કૂલના પ્રાઇમરી અને માધ્યમિક શાળાના
વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન દિવસની ઉજવણીના સંદર્ભે ડ્રોન અને સેટેલાઈટનું નિર્માણ કરવામાં આવ્યું છે.
જેમાં કેન્દ્રીય વિદ્યાલય શાળાના આચાર્ય અવિજીત પાંડા જણાવે છે કે, વિદ્યાર્થીઓ દ્વારા અમારી શાળામાં
અવનવા સંશોધન કરીને ડ્રોન અને સેટેલાઈટના સ્પેરપાર્ટ ડિઝાઇન કરવામાં આવ્યા છે. જેમાં તેઓએ ડ્રોન બનાવવા
માટે ફાઇબરનો ઉપયોગ કર્યો છે. સાથેજ તેઓએ પ્રથમ ડ્રોન બનાવી તેને હવામાં ઉડાડી તેમની શાળાનું આકાશથી
અવલોકન પણ કર્યું હતું.
આ સાથેજ શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા ઈસરોની મદદથી ‘સેટેલાઈટ ટ્રેનિંગ પ્રોજેક્ટ’ અંતર્ગત અત્યાધુનિક
સેટેલાઈટ ડેમોસ્ટ્રેશનનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં અવનવી આધુનિક બાબતોનો જેવી કે ઓટોમેટીક
સેન્સર, આસપાસનું તાપમાન, અને દિશા સૂચકતા જેવી અત્યાધુનિક બાબતોનો સમાવેશ કરવામાં આવે છે.
આ અંગે વિદ્યાર્થીઓને તાલીમ વિદ્યાલયના અધ્યાપક પ્રિયકાન્ત તરપરા દ્વારા અને સાથે સાથે આચાર્ય
દ્વારા આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓના વિજ્ઞાન પ્રત્યેના ઉત્સાહ થકી કેન્દ્રીય વિદ્યાલય સાબરમતી સ્કૂલના અન્ય
વિદ્યાર્થીઓ પણ આ રીતની કામગીરી કરવા માટે પ્રેરાયા છે
ભારત સરકાર દ્વારા હમણાં જ યોજાયેલા વડાપ્રધાનશ્રીના ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં કેન્દ્રીય વિદ્યાલય
સાબરમતી શાળાના વિદ્યાર્થીઓએ સેટેલાઈટનું સ્ટાર્ટઅપનું લાઈવ ડેમોસ્ટ્રેશન ઊભું કર્યું હતું.
કેન્દ્રીય વિદ્યાલય સાબરમતી સ્કૂલનાં વિદ્યાર્થીઓમાં માટે આ વર્ષે સ્કૂલ તરફથી સાયન્સ સમર કેમ્પનું
આયોજન પણ કરવામાં આવશે. જેમાં શાળાના વિદ્યાર્થીઓ વધુ પ્રમાણમાં પોતાની ભાગીદારી નોંધાવશે અને દેશમાં
વિજ્ઞાનના ક્ષેત્રે નવી ઓળખ ઊભી કરવા પ્રયત્ન કરશે તેમ અનુભવાય છે.