વિધાનસભા ચૂંટણીના એમ્બેસેડર RJ મેઘાએ યુવાનોને તેમની જ શૈલીમાં રસપ્રદ રજૂઆતો થકી મતદાર
યાદીમાં નામ નોંધાવી મતદાન કરવા સમજાવ્યા
દેશના યુવાનોમાં લોકશાહીના મહાપર્વ સમાન ચૂંટણી માટે જાગૃતતા આવે તેમજ યુવાનો મોટી સંખ્યામાં
મતદારયાદીમાં નામ નોંધાવે તે માટે કેન્દ્રીય અને રાજ્ય ચૂંટણીપંચ પ્રયાસરત છે. જેના ભાગરૂપે અમદાવાદ સ્થિત
ગુજરાત યુનિવર્સિટી અને ભવન્સ કોલેજ ખાતે ખાસ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. અમદાવાદ જિલ્લા
કલેકટર શ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીના માર્ગદર્શનમાં ‘અવસર લોકશાહીનો…’ શીર્ષક હેઠળ સમારોહનું
આયોજન કરવામાં આવ્યું હતું.
આજનો જવાબદાર યુવાન આવતીકાલનો જવાબદાર નાગરિક છે. આ સંદેશ ગુંજતો કરવા માટે ગુજરાત
વિધાનસભાની ચૂંટણીના બ્રાન્ડ એમ્બેસેડર અને શહેરના જાણીતા RJ મેઘા દ્વારા યુવાનો સાથે કવીઝ, ગેમ્સ,
સહિતના લાઈવ સ્ટેજ પરફોર્મન્સ આપ્યું હતું. યુવાનોનો મતદાન પ્રત્યેનો ઉત્સાહ વધે તે હેતુથી RJ મેઘાએ
કોલેજના યુવાનો સાથે તેમની જ શૈલીમાં મતદાન એ તેમનો અધિકાર અને ફરજ હોવાની વાત સમજાવી હતી.
આ ઉપરાંત ચૂંટણી શાખા દ્વારા નિર્મિત “વોટર હેલ્પલાઈન” એપ વિશે જાણકારી આપી હતી. આ એપમાં
જઈને મતદારયાદીમાં નામ નોંધણી કરી શકાય છે તથા નામ, ફોટો, સરનામામાં ફેરફાર માટેની અરજી પણ કરી શકાય
છે. આમ આ એપ વિશેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે બન્ને શૈક્ષણિક સંસ્થાના
વિદ્યાર્થીઓ જવાબદાર મતદાર બનવા માટે સંકલ્પબદ્ધ બન્યા હતા.