મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદના નિકોલ ખાતે વિશ્વ ઉમિયાધામ
અમદાવાદ દ્વારા આયોજિત શ્રી રામકથાના કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા. આ અવસરે
આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કહ્યું કે, આપણા સૌના જીવનમાં અનેક
વાર સારા અને ખોટા પ્રસંગો આવતા જ હોય છે અને આવા પ્રસંગોમાંથી જ આપણને અનેક
વાર માર્ગદર્શન મળતું હોય છે. શ્રી રામકથા જેવા પ્રસંગોથી જીવન ખરેખર શાંતિમય રહે છે
અને સારું જીવવાની પ્રેરણા પણ મળે છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આપણે સૌ રાષ્ટ્રપ્રેમી માણસો છીએ ત્યારે ગુજરાત અને દેશની
સુખ અને સમૃદ્ધિ વધારો થાય તેવી આપણે સૌએ ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ.
વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે ત્યારે આપણે સૌએ
‘સૌના સાથ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ’થી ગુજરાતના આ ગ્રોથ એન્જિનને ઝડપથી
આગળ લઈ જવા કટિબદ્ધ બનવાનું છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ અવસરે અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, ડેપ્યુટી મેયર શ્રી ગીતાબેન,
સર્વે ધારાસભ્યોશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ, વિશ્વ ઉમિયાધામ
અમદાવાદના પ્રમુખશ્રી આર.પી.પટેલ, ઉપપ્રમુખશ્રી પ્રહલાદભાઈ એ. પટેલ, ડી. એન. ગોલ,
નવિનભાઈ એમ. પટેલ, દીપકભાઈ એમ. પટેલ, વાડીભાઈ પી. પટેલ તેમજ વી. પી. પટેલ
તેમજ પટેલ સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદના નિકોલ ખાતે વિશ્વ ઉમિયાધામ અમદાવાદ દ્વારા
૨૩ એપ્રિલથી ૧ મે ૨૦૨૩ દરમિયાન સાંજે ૭-૦૦ થી ૧૧-૦૦ વાગ્યા સુધી ૫.પૂ. કથાકાર શ્રી
રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીજી પુરાણાચાર્યના સાનિધ્યમાં શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.