વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં
દેશમાં શિક્ષણ અને મેડિકલ ક્ષેત્રે અનેક સકારાત્મક બદલાવો આવ્યા: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં
દેશમાં શિક્ષણ અને મેડિકલ ક્ષેત્રે અનેક સકારાત્મક બદલાવો આવ્યા: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
**
મેડીકલ ક્ષેત્રે દેશના ભવિષ્ય નિર્માણમાં
યોગદાન આપી રહેલા તબીબી શિક્ષકોને મુખ્યમંત્રીશ્રીએ પ્રોત્સહિત કર્યા
*
• “છેલ્લાં ૯ વર્ષ દરમિયાન દેશમાં નવી ૨૨૫ મેડિકલ કૉલેજ અને ૧૫ એઈમ્સનું નિર્માણ થયું; ૭૦,૦૦૦ મેડીકલ સીટનો પણ થયો વધારો”
• ડાયલિસિસ માટે ગુજરાતના દરેક તાલુકામાં ડાયલિસિસ સેન્ટર કાર્યરત
• કેન્સરના દર્દીઓ માટે દરેક જિલ્લા મથકે કીમોથેરેપી કેન્દ્રો પણ શરૂ કરાયા
• ગુજરાતમાં એઈમ્સ સહિત કુલ ૪૦ મેડિકલ કોલેજ કાર્યરત; દર વર્ષે ૭૦૦૦થી વધુ તબીબો સમાજને મળે છે
28-10
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અપોલો હોસ્પિટલ-ગાંધીનગર ખાતે આયોજિત “ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામ”માં મેડીકલ ક્ષેત્રે દેશના ભવિષ્ય નિર્માણમાં યોગદાન આપી રહેલા તબીબી શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમ ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળના નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડીકલ સાયન્સ દ્વારા યોજવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વમાં ભારતમાં ગત ૯ વર્ષમાં દરેક ક્ષેત્રે સર્વગ્રાહી વિકાસની કાર્યપ્રણાલી વિકસિત થઇ છે, અને પરિણામે આજે શિક્ષણ અને મેડિકલ ક્ષેત્રે દેશમાં અનેક સકારાત્મક બદલાવો આવ્યા છે.
શિક્ષણ માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હોય કે દેશભરમાં 225 મેડિકલ કોલેજો તથા ૭૦,૦૦૦ મેડિકલ સીટનો વધારો હોય, વડાપ્રધાનશ્રીએ દરેક ક્ષેત્ર માટે પ્રો-પીપલ ગવર્નન્સ સાથે સાથે પ્રો-એક્ટિવ પ્રેક્ટિસીસ પર વધારે ભાર આપ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ ખાસ કરીને મેડિકલ એજ્યુકેશન અને હેલ્થકેર ક્ષેત્રે પ્રો-એક્ટિવ પ્રેક્ટિસિસને પ્રોત્સાહન આપશે. આ પ્રકારના ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ વ્યાવસાયિક વિકાસની સાથો-સાથ વ્યક્તિગત વિકાસ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે.
આજના ટેકનોલોજીકલ રિવોલ્યુશનના યુગમાં મેડિકલ ક્ષેત્ર પણ દિન-પ્રતિદિન વિકાસ કરી રહ્યું છે. આવા સમયે આ પ્રકારના ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ મેડિકલ ક્ષેત્રે હોલિસ્ટિક એપ્રોચને પ્રોત્સાહન આપવાનું કામ કરશે, તેવો સ્પષ્ટ મત મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
વધુમાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ આજે દેશના ખૂણે-ખૂણે સામાન્ય જનતા માટે સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ થઇ રહી છે. આયુષમાન ભારત યોજના થકી દેશના કરોડો ગ઼રીબ પરિવારોને આરોગ્ય કવચ પણ પૂરું પડ્યું છે. એટલું જ નહિ, આયુષમાન ભારત અકાઉન્ટ્સ દ્વારા ડિજિટલ હેલ્થ રિકૉર્ડની પણ નવી પહેલ શરૂ કરવામાં આવી છે.
વડાપ્રધાનશ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે છેવાડાના ગામડાઓમાં પણ મલ્ટીસ્પેશિયલટી હૉસ્પિટલ બનાવવાનું સ્વપ્ન સેવ્યું હતું. તે સ્વપ્ન ટીમ ગુજરાતે સાકાર કર્યું છે. આજે રાજ્યની મલ્ટીસ્પેશિયલટી હૉસ્પિટલો દૂર-દરાજના વિસ્તારોમાં રહેતા નાગરિકોને અદ્યતન આરોગ્ય ઉપચાર સુવિધાઓ પૂરી પાડી રહી છે. કિડની રોગ સંબંધિત ડાયલિસિસ માટે ગુજરાતના દરેક તાલુકામાં ડાયલિસિસ સેન્ટર અને કેન્સર જેવી ભયાવહ બીમારીના ઇલાજ માટે મહત્વપૂર્ણ કીમોથેરિપીની સુવિધા માટે જિલ્લા મથકે જ કીમોથેરેપી કેન્દ્રો શરૂ કરાયા છે, તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમર્યું હતું.
ગુજરાતે તબીબી શિક્ષણને ખૂબ જ મહત્વ આપતા મેડિકલ કૉલેજો અને મેડિકલ સીટોમાં પણ સતત વધારો કર્યો છે. આજે ગુજરાતમાં એઈમ્સ અને બીજી હોસ્પિટલો મળી કુલ ૪૦ મેડિકલ કોલેજ કાર્યરત છે. આ કોલેજોમાં અભ્યાસ કરીને દર વર્ષે ૭૦૦૦થી વધુ ડોક્ટર રાજ્યના તબીબી ક્ષેત્રે સેવામાં જોડાય છે, તેની પણ વિગતો મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
આ કાર્યક્રમમાં નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડીકલ સાયન્સના અધ્યક્ષ શ્રી અભિજાત શેઠ, એકઝીક્યુટીવ ડીરેક્ટર પ્રો. મીનું બાજપાઈ, અપોલો હોસ્પિટલના ચીફ ઓપરેટીંગ ઓફિસર શ્રી નીરજ લાલ સહિત તબીબી ક્ષેત્રે કાર્યરત મહાનુભાવો અને ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.